બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

  બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

તારીખ : 22-06-2024નાં દિને બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકશ્રી ચંપકભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો હતો. તેમનો  જન્મ વાંસદા તાલુકાનાં વાંદરવેલા ગામે  2જી માર્ચ 1966નાં દિને થયો હતો. 

તેમણે પ્રાથમિક શિક્ષણ વાંદરવેલા ગામની ઉતાર ફળિયા વર્ગ શાળામાં ધોરણ 1થી3, વાંદરવેલા મુખ્ય શાળામાં ધોરણ 4થી5, સારવણી શાળામાં ધોરણ 6થી7 અને વી.એસ.પટેલ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે માતાપિતા, શિક્ષક, કુટુંબીજનોના પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ખંડુ ભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર વાપીમાંથી બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્રની પરીક્ષા વર્ષ 1985માં પાસ કરી પી.ટી.સી.ની પદવી મેળવી હતી.

તેમણે તા.29-09-1986નાં દિને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, વાંસદા તાલુકાની રવાણિયા ડુંગરી ફળિયા વર્ગશાળામાં પ્રથમ નિમણૂંક મેળવી હતી. ત્યાં તેમણે 12 વર્ષ 2 માસની ફરજ બાદ બદલી થતાં તા.17-06-2000 નાં રોજ  ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિના સમય સુધી સતત 25 વર્ષ બહેજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી તેઓ નિવૃત્ત થયા છે. શિક્ષણકાર્ય ઉપરાંત તેમણે ખેરગામ તાલુકા શિક્ષક સંઘના સહમંત્રી તરીકે સેવા આપી હતી તેમજ તેઓ શાળાકીય વહીવટી કાર્યમાં પણ નિપૂણતા ધરાવતા હોય સમગ્ર સ્ટાફના તમામ સભ્યોનાં દિલ જીતી લીધા હતા. 

હવે પછીનું તેમનું નિવૃત્ત જીવન તંદુરસ્તમય અને પ્રવૃત્તિમય વ્યતિત થાય તે માટે ઉપસ્થિત સૌ મહાનુભવોએ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

 આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, શિક્ષકો, શિક્ષક સંઘના પ્રમુખ  દિવ્યેશકુમાર ચૌહાણ સહિત હોદ્દેદારો, બીઆરસી ભવન ખેરગામનાં સ્ટાફ મેમ્બર, ગ્રામજનો, શાળા પરિવાર, કુટુંબીજનો, અને મિત્રમંડળ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા.




Post a Comment

0 Comments